જૂના જમાનામાં સૌરાષ્ટ તથા રાજસ્થાનમાં અફીણ ખાવાનું કે કસુંબા પીવાનું ખૂબ ચલણ હતું. અફીણનો મૂળ મલક તો "માળવા પ્રદેશ" પરંતુ રાજપુતોની પરંપરા સાથે અફીણની સેંકડો વર્ષ જૂની પરંપરા જળવાતી આવી છે. એ જમાના માં દારૂ ને "ત્યાજય" ગણાતું અને અફીણને "રાજ અમલ" કહીને સ્વીકારતા. રાજા મહારાજા, અમીર ઉમરવો, સાધુ ફકીરોથી માંડી ને સમસ્ત લોકવરણ આખા ભારતમાં દારૂ કરતાં પણ વધુ પ્રચલિત હતું. જોકે આજે પણ અમુક જ્ઞાતિમાં વાર તહેવારે સારા પ્રસંગે કસુંબો લેવાની પ્રથા ચાલુ જ છે.
ક્સુંબો તૈયાર કરવાની ક્રિયા પણ ભારે ખંત અને ચીવટ માંગીલે તેવી છે. અસલ માળવાનું અફીણ હોય, એનો કચ્છી સૂડી થી ભૂકો વતરવામાં આવે અને પછી ખરલમાં ઘૂંટતા જાય અને ધીરે ધીરે પાણી નાખતા જાય, વળી પાછા ઘૂંટે અને ઘૂંટી ઘૂંટી ને આછા મલમલના કપડાં ની ગરણી માં ગાળે, આ ગાળવાની ક્રિયા પણ 5 કે 7 વખત થાય. કસુંબો ઘૂંટવાની ખરલ થી માંડી ને તેની નાની વાટકી અને પ્યાલીઓની બનાવટ પણ કસુંબો પીનારની સમૃદ્ધિ મુજબ કીંમતી હોય.
કસુંબો તૈયાર થાય ત્યારે કડવી છતાં માદક ગંધ પ્રસરતી હોય અને ત્યાર બાદ સોના કે રૂપની પ્યાલીઓ હાથમાં લ્યે ત્યારે ચરણ કે બારોટ દ્વારા ઇષ્ટ દેવ કે પ્રતાપી શૂરવિરોના પ્રશિસ્તના વર્ણન કરી રંગ દેવાય અને આ ધ્વનિથી તે વાતાવરણમાં પણ એક જાત નો કેફ ચડાવી દે.
લોકવાર્તામાં કે દરબારી ડાયરામાં કસુંબલ વર્ણન કરતાં ચારણ -બારોટ જ્ઞાતીના વાર્તાકરો લલકારે..............
કેવો કસુંબો !
પારોઠ ભેંશ ના દૂધ જેવો, દુબળા ઘર ની રાબ જેવો, કાળોતરા ના રેલા જેવો, આદિનાથ ના ચેલા જેવો,
ખરલમાં નાખો તો ખસરક ઘૂંટાક,
ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક,
બાપ પીવે તો બેટા ને ચડે, કાકો પીવે તો ભત્રીજા ને ચડે, ઘોડો પીવે તો અસવાર ને ચડે, કીડી પીવે તો કાગ ને મારે, માંજરી પીવે તો વાઘ ને મારે,
ગદ્ધા પીવેતો ગજરાજ ને મારે,
ચિડિયા પીવે તો બાજ ને મારે.
પારોઠ ભેંશ ના દૂધ જેવો, દુબળા ઘર ની રાબ જેવો, કાળોતરા ના રેલા જેવો, આદિનાથ ના ચેલા જેવો,
ખરલમાં નાખો તો ખસરક ઘૂંટાક,
ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક,
બાપ પીવે તો બેટા ને ચડે, કાકો પીવે તો ભત્રીજા ને ચડે, ઘોડો પીવે તો અસવાર ને ચડે, કીડી પીવે તો કાગ ને મારે, માંજરી પીવે તો વાઘ ને મારે,
ગદ્ધા પીવેતો ગજરાજ ને મારે,
ચિડિયા પીવે તો બાજ ને મારે.
અને પછી રંગ દેવાય.... રંગ છે સીતાજીના સત ને.... રંગ હનુમાન વીર ને .... રંગ છે કાળીયા ઠાકોરને... રંગ છે રામા પીર ને.... રંગ ભોળિયા શંકર ને.... રંગ છે ઉદયપૂરના રાણા ને ....... રંગ છે સુરજ દેવભાણને,,,,,,,,
અફીણની પ્રસંશાની સાથે સાથે લોકસાહિત્યમાં અફીણના અવગુણો નું વર્ણન પણ જોવા મળે છે. સમર્થ સંત ગોરખનાથે પોતાની વાણીમાં કહ્યું છેકે..
આફું ખાય, ભાંગી ભસકાવે, તામે અક્કલ કહાતે આવે;
ચઢતા પિત, ઉતરતા વાઇ, તાંતે ગોરખ ભાંગીના ખાઈ.....
ચઢતા પિત, ઉતરતા વાઇ, તાંતે ગોરખ ભાંગીના ખાઈ.....
ગાંજા ભાંગ અફીણ, મદ ઉતાર જાત પરભાત,
નામ ખુમારી નાનકા, ચડી રહે દિન રાત.....
નામ ખુમારી નાનકા, ચડી રહે દિન રાત.....
સ્વામિનારાયણ સંપ્રદાયના દેવાનંદ સ્વામિએ એક પદમાં ગયું છે....
ગાંજો ભાંગ લીલાગર મહફર હોકા પીવે ચાવે,
દેવાનંદ કહે દેખ વિચારી, દુખ નો અંત ના આવે..
દેવાનંદ કહે દેખ વિચારી, દુખ નો અંત ના આવે..
ત્યારે સામાન્ય લોકસમુદાયમાં અફીણનું વ્યસન બાળક ઘોડિયામાં હોય ત્યારથી જ કરાવવામાં આવતું, ખેતની ના કામ માટે દિવસભર ઘર છોડીને ખેતરમાં કાળી મજૂરી કરતી માતા પોતાના બાળક ને સુવડાવી રાખવા અફીણ ની નાની ગોળી બનાવી પાઇ દેતી.. અને તેમાંથી જ બાળાગોળીની પ્રથાની શરૂઆત થઈ.
કાનૂની નિયંત્રણને લીધે ધીરે ધીરે લુપ્ત થતું આ વ્યસન સૌરાષ્ટના પાંચાલ, ગોહિલવાડ અને બાબરિયાવાડ જેવા વિસ્તારોમાં હજી જોવા મળે છે.
(લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યોમાં અફીણ વિષે કરેલા ઉલ્લેખો માંથી)
No comments