![]() |
| Photo by.www.jhaverchandmeghani.com |
ઝવેરચંદ મેઘાણીનું એક ને એક પુસ્તક 5 વાર વાંચીએ તો પણ એટલી જ મજા આવે. તેની વર્ણન કરવાની છટા જોતા આહ અને વાહ ના ઉદગાર સરી પડે.
કોઈ પણ વાર્તા માં ઝવેરચંદ મેઘાણી ને એટલું કહેવું હોય કે બે ગામ વચ્ચે ઘોડેસવાર પોતાનો પંથક કાપી ને જઈ રહ્યો છે તો તેનું વર્ણન તે કઈક આ રીતે કરે.
"ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળપની લહેર માણતી હતી. કણબીની નાનકડી દીકરીઓ ગાજર, મૂળા કે મગની કૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને મદઝરતે સાદે ગીતો ગાતી હતી, રામનવમીનો રૂડો દિવસ છે. લીલી સીમમાં માનવીનો બોલાશ નથી. ખેડૂતોએ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે, અને પોતે સહુ ઉપવાસ રહીને ગામના ઠાકરદ્વારમાં રામજન્મનો ઉત્સવ કરે છે; આખી સીમ સૂની પડી છે.
ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત્ય પાડતા ચણે છે. વરતેજનાં આંબાવડિયાંની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હીંચકે છે. આવું સોને મઢ્યું સવાર, આવાં મહેકતાં આંબેરણ, ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન, અને દેવપંખીના ટૌકાર થતો હતો ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછોવાળો ઘોડેસવાર વરતેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે."
-સૌરાષ્ટ્રની રસધાર માથી
કોપી પેસ્ટ: મિલન ત્રિવેદી

No comments